ભય બિના પ્રીત નહીં

હોરાઈઝન - ભવેન કચ્છી

ચીનમાં પકડાયેલા ટોચના રાજકારણીઓ, અમલદારો, વેપારીઓ અને ઉદ્યોગપતિઓ યાતનાથી ફફડી આત્મહત્યા કરવા માંડયા છે
ચીન જેટલી કઠોરતા પણ સારી નહીં અને ભારત જેટલી કોમળતા પણ નહીં
ચીન હ્યુમન રાઈટ્સને ખિસ્સામાં લઈને ફરે છે

ભ્રષ્ટાચારીઓ "Shuanggui" હેઠળ પકડાય એટલે તેઓના મોતિયા મરી જાય છે

ચીનમાં ભ્રષ્ટાચાર સામે જિનપિંગની ઐતિહાસિક ઝૂંબેશ

૧૦૦૦૦૦ કેસો પર કડક કાર્યવાહી

જિનપિંગનો આદેશ : તમામ ધર્મસ્થાનો પર રાષ્ટ્રધ્વજ લહેરાવવો પડશે

ચીનમાં સત્તાધીશ કોમ્યુનિસ્ટ પાર્ટીના સુપ્રીમો ક્ષી જિનપિંગે ૨૦૧૨થી ૨૦૧૭ દરમ્યાનની ટર્મ સંભાળતા જ દેશના રાજકારણીઓ, અમલદારો અને કોર્પોરેટ જગતને ફડક પેસાડતા જ ચેતવણી આપી હતી કે ભ્રષ્ટાચારના કેસમાં સપડાઇને મોતને વ્હાલુ ના કરતા.

જિનપિંગ ૨૦૧૭માં ઓકટોબરમાં બીજી ટર્મ માટે તો ચૂંટાયા પણ પોલિટ બ્યુરોએ એવો ઐતિહાસિક ઠરાવ પણ કર્યો કે ક્ષી જિનપિંગ પાર્ટીના વડા તરીકે અનિયતકાળ સુધી જારી રહી શકે. છેલ્લા છ વર્ષથી ચીનમાં ગમે તેવા ચમરબંધી રાજકારણી, અમલદાર કે કોર્પોરેટ હસ્તી હોય પણ ભ્રષ્ટાચાર કરતા પકડાય તો તેની પર તપાસ કમિટી એ હદે યાતનાપૂર્ણ ટ્રાયલ ચલાવે કે પકડાયેલા ૧૦૦માંથી ૪૦ તો આત્મહત્યા કરી લે છે. ક્ષી જિનપિંગ કે તેની પાર્ટી આવા મૃતક પ્રત્યે સ્હેજપણ સહાનુભૂતિ કે શ્રધ્ધાંજલિના બે શબ્દો સુધ્ધા વ્યક્ત નથી કરતા.

ભ્રષ્ટાચારીઓ પર કાર્યવાહી કરવા જિનપિંગે 'Shuanggui System'' નામનો અલગ વિભાગ વધુ સક્રિય બનાવ્યો છે. ભ્રષ્ટાચારી પકડાય તે પછી તેના પર કાર્યવાહી કરવાની જ નહીં પણ પ્રત્યેક રાજકારણી, મંત્રી, લશ્કરી અફસરો અને કોર્પોરેટ જગતના વ્યવહારો પર નજર રાખવાની જવાબદારી પણ આ વિભાગને સોંપાઇ છે.

આમ જોઇએ તો ભારત સહિત તમામ દેશોમાં ભ્રષ્ટાચારીઓને ઝબ્બે કરવા કે સજા ભણી લઇ જતી સંસ્થાઓ તો છે જ પણ તેની અસરકારકતા, પ્રભાવ અને ખોફ ખાસ પ્રવર્તતો નથી. ન્યાયતંત્રની ત્રુટિઓનો પણ દોષિતો આબાદ ફાયદો ઊઠાવતા હોય છે. આ જ કારણે ભારત જેવા દેશમાં ટોપ ટુ બોટમ ભ્રષ્ટાચાર બેફામ બેરોકટોક જારી જ છે. પણ ચીનના જિનપિંગ તે રીતે નિષ્ઠાવાન નિડર અને  સરમુખત્યારી  મિજાજના  છે.

યુનાઇટેડ નેશન્સ, હ્યુમન રાઇટ્સની કલમો કે તે માટેની એનજીઓને તેઓ ''થાય તે કરી લો''ની જેમ જાણે ખિસ્સામાં લઇને ફરે છે. એક વખત ગમે તે હદની પ્રોફાઇલ ધરાવતી હસ્તીને ભ્રષ્ટાચારના કેસ હેઠળ પકડતા એમ જણાવાય કે તમારી 'Shuanggui' હેઠળ ધરપકડ થાય છે એટલે તેના હાજા ગગડી જાય છે. તેને પૂછપરછ દરમિયાન એ હદે માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવે છે કે તે આત્મ હત્યા કરવા સુધ્ધા મજબુર બને છે.

સામાન્ય રીતે મોટાભાગના દેશોમાં જેલ કે કસ્ટડીનો કેદી આત્મહત્યા ના કરે તેની તકેદારી રાખવામાં આવતી હોય છે. જો ગુનેગાર તેવું કૃત્ય કરે તો જેલના સત્તાવાળા પર પસ્તાળ પડતી હોય છે પણ ચીનમાં ભ્રષ્ટાચારના આરોપસર પકડાયેલને પૂછપરછ દરમ્યાન યાતના તો અપાય જ છે પણ તેને વચ્ચે વચ્ચે મુક્તિ પણ અપાય છે કદાચ એ જ આશયથી કે તે આત્મહત્યા કરતો હોય તો ભલે કરે ! 'Shuanggui'નો અર્થ સમન્સમાં આપેલી જગાએ અને જણાવેલ સમયે હાજર થવું. આ રીતે ટ્રાયલ - યાતનાનો દોર પૂછપરછ દરમ્યાન ચાલે અને  ફરી તેને  સમય અને સ્થળ જણાવી પેરોલ  પર છોડાય છે.

જિનપિંગના છ વર્ષના શાસનમાં 'Shuanggui' હેઠળ પકડાયેલાઓ પૈકી ૨૩૪ ભ્રષ્ટાચારીઓએ ઈમારત પરથી કુદીને આત્મહત્યા કરી છે. આવી વ્યક્તિઓ કોઇ સામાન્ય નાગરિક નથી હોતી પણ દેશના અને ચીનના રાજ્યોની જાણીતી  જાહેર વ્યક્તિઓ હોય છે.  ગત નવેમ્બરમાં 'Shuanggui' વિભાગના અધિકારીઓએ પિપલ્સ લિબરેશન આર્મીના જનરલ ઝાંગ યાંગની ધરપકડ કરવાનો આદેશ જારી કરતા દેશભરમાં સોપો પડી ગયો હતો.

સંરક્ષણના સોદાઓમાં ભ્રષ્ટાચાર આચરનારા રાજકારણીઓથી માંડી લશ્કરી અફસરો પર કેસ ચલાવાયા, હજુ તો આર્મી જનરલ ઝાંગ યાંગને તેમના નિવાસસ્થાને સંદેશો મળ્યો કે 'Shuanggui' ટીમ તેની ધરપકડ કરવા આવી રહી છે ત્યાં જ તેમણે તેમની જાતે જ રસ્સીથી લટકીને આત્મહત્યા કરી લીધી હતી. 'Shuanggui'ની તપાસ યાતના શું છે તે તેઓ જાણતા હતા. આવા આત્મહત્યા કરનારાઓને કોઇ માન-સન્માન સાથે કે તેમની સેવા-ફરજને બિરદાવતા બે શબ્દોની વિદાય પણ નસીબ નથી હોતી. ચીનના ઈતિહાસમાં આ હદે ભ્રષ્ટાચાર સામે સામૂહિક ઝૂંબેશ નથી આચરવામાં આવી.

'Shuanggui' હેઠળ જે પણ ભ્રષ્ટાચારી પકડાય છે તે કોર્ટમાં ન્યાય માટે  નથી  જઇ  શકતો. હ્યુમન રાઇટ્સની  ટીમ અને વિશ્વ મીડિયા 'Shuanggui' સેલની ક્રૂરતા અને માહિતી કઢાવવાની પધ્ધતિ પર કડક શબ્દોમાં રીપોર્ટ છેક યુનાઇટેડ નેશન્સ સુધી પહોંચાડે છે પણ ચીનના સત્તાધીશોને  કોઇ  ફર્ક નથી પડતો.

શાસક પક્ષના નેતાઓ પણ આ ભ્રષ્ટાચાર વિરોધી વિભાગમાં પકડાતા આત્મહત્યા કરી ચૂક્યા હોઇ નાગરિકોમાં એવી શ્રધ્ધા છે કે જિનપિંગ તેના વિરોધીઓને ટાર્ગેટ નથી કરતા. જિનપિંગ માને છે કે કાયદાનો ખોફ ના હોય તેવા તત્વોને 'Shuanggui' હેઠળ લાવવો. જે ભ્રષ્ટાચાર સ્પષ્ટ પૂરવાર ન થયો હોય તેઓને કાનુની રાહે કોર્ટમાં નિર્દોષતા પૂરવાર  કરવા દેવાની તક આપવામાં આવે છે.

'Shuanggui' હેઠળ રાજકારણી, અમલદાર કે કંપનીના સંબંધીત અધિકારીને કોઇપણ કોન્ટ્રાક્ટ જે ઉપરથી કાયદેસર લાગતો હોય તો પણ તેના કાર્યની, પ્રોજેક્ટની પૂર્ણતામાં પ્રામાણિકતા દાખવવામાં આવી છે કે નહીં તેની ઘનિષ્ઠ પૂછપરછ માટે ફાઇલ લઇને બોલાવાય છે. અંડર ટેબલ વ્યવહાર અંગે  અને જે તે મટિરિયલ્સ, ગુણવત્તા, સમયમર્યાદા જેવી પ્રોજેક્ટની શરતોનો અમલ થયો છે કે નહીં તે ચકાસવા ટીમ સાથે જવાનું હોય છે. જો પ્રોજેક્ટ પ્રામાણિકતાથી અને પારદર્શક રીતે પાર પડાયો હોય  તો તેઓને મુક્ત  કરી દેવાય છે.

એટલે એવું નથી કે 'Shuanggui'માં બોલાવાયા એટલે તમે દોષિત જ છો. હા, જેણે કાળા કામ કર્યા છે તેની પોલ ઈન્સ્પેકશન અને કાઉન્ટર ઓડિટમાં જ ખુલી જાય છે. કર્મચારી, એજન્ટો, મળતિયાથી માંડી અધિકારીઓ, કોર્પોરેટ અને નેતાઓની આખી ચેઇનને જેલભેગી કરાય છે. ચીન વિશ્વમાં સૌથી વધુ ફાંસીની સજા જાહેર કરતો દેશ છે. ૨૦૧૩માં ૧,૭૩,૦૦૦ ભ્રષ્ટાચારના કેસ આ ઝૂંબેશ દરમિયાન દાખલ કરવામાં આવ્યા હતા. હવે આ આંક ૩૨,૦૦૦ પર આવી ગયો છે. પોલીસ, કસ્ટમ, એક્સાઇઝ, રોડ એન્ડ બિલ્ડિંગ કન્સ્ટ્રકશન, ખાનગી બાંધકામ, ખાદ્યભેળસેળ, આવકવેરા વિભાગ, શિક્ષણ, મહેસૂલ, આરોગ્ય વિભાગ જેવા તમામ સરકારી વિભાગો, મંત્રાલયોને પણ 'જીરેચહયયેૈ' માં તેમની નિર્દોષતા પૂરવાર કરવા આદેશ આપવામાં આવે છે.

ચીનના સરકારી મીડિયા દ્વારા તેની જાહેરાત થાય છે જેથી નાગરિકો તેમની ફરિયાદ પાઠવી શકે છે.

જે રાજકારણી, અધિકારી, કોર્પોરેટ કે સપ્લાયર કે કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર બહાર આવે તેઓને અજ્ઞાાત સ્થળે લઈ જવાય છે. જાણે તેઓનું અપહરણ થયું હોય તેવું આ ભ્રષ્ટાચારીના કુટુંબને લાગે છે. સમાજમાં પણ તે વ્યક્તિ અમુક અઠવાડિયા અજ્ઞાાત સ્થળે હોઈ તેની નાલેશી અને ચિંતા થવા માંડે છે. એવું કહેવાય છે કે ગંભીર ભ્રષ્ટાચારના કેસમાં પકડાયેલાને અમેરિકાએ આતંકવાદીઓ માટે gauntanamo bay નો કેમ્પ ખોલ્યો છે. તે પ્રકારની થર્ડ ડિગ્રી કરતા અતિ ક્રૂર યાતના આપવામાં આવે છે. અહીં તેનું વર્ણન કરવું પણ ધૂ્રજી ઉઠાય તેવું હોઈ વાચકોની કલ્પના પર છોડીએ છીએ.

ચીનની સરકાર આવી યાતનાઓની સાચી ખોટી વાર્તાનો જાણી જોઈને પ્રચાર કરે છે જેથી નાગરિકોથી માંડી નેતાઓમાં ફફડાટ રહે. ચીનમાં કેવા મોટા માથાઓને ભ્રષ્ટાચારના આરોપ હેઠળ આજીવન કારાવાસની સજા આપવામાં આવી છે તેઓએ આત્મહત્યા કરી છે તે જાણી લો. (૧) બો ક્ષીલાઈ : ૨૦૧૨માં પોલિટ બ્યુરોના સ્ટેન્ડિંગ કમિટિના વડા (હાલ જેલમાં) ૨) ચેન ક્ષીટોંગ : બેઇજિંગના મેયર હતા (૨૦૧૩માં રહસ્યમય મૃત્યુ) ૩) ચેન લિઆનગ્વુ : શાંધાઇની કમ્યુનિસ્ટ પાર્ટીના સેક્રેટરી નાગરિકોની સોશ્યલ સિક્યોરિટી આપવામાં કૌભાંડ આચરતા ૧૮ વર્ષથી સખ્ત કેદ હેઠળ છે. ૪) ચેંગ કેજેઇ : ગોઆઉક્ષી પ્રાંતના સ્ટેન્ડિંગ કમિટી નેશનલ પિપલ્સ કોંગ્રેસના વાઇસ ચેરમેન લાંચ લીધેલા નાણાંથી મકાઉના કેસિનોમાં જુગાર રમતા પકડાયેલા અને તેમને ફાંસીની સજા અપાઈ હતી.

૫) જી જીયાન્યે : નનિજિંગ શહેરના મેયર હતા. હાલ લાંચ કેસમાં પકડાતા ૧૫ વર્ષથી જેલની સજા ભોગવી રહ્યા છે. ૬) યુ ક્યુઈ : વેન્ઝોઉ ઇન્ડસ્ટ્રીના ચીફ એન્જિનિયરનું ડૂબી જવાથી રહસ્યમય મૃત્યુ થયું હતું. તેના સાત કર્મચારીઓ ૪ થી ૧૪ વર્ષની જેલ કાપી રહ્યાં છે. ૭) લિંગ જીહુઆ : ચીનના અગાઉના પોલિટ બ્યુરોવડા હુ જિનોતોના રાજકીય સલાહકાર ૨૦૧૬થી આજીવન કેદમાં છે. ૮) માઓ ક્ષીઓપિંગ : ભ્રષ્ટાચારનો કેસ પૂરવાર ના થઈ શક્યો છતા મેયરમાંથી કલાર્ક બનાવી દેવાયા અને ફરજિયાત આ નોકરી કરવાની તેની સજા જાહેર થઈ.

આવી તો નેતાઓ, એન્જિનિયરો, અદાકારોની મોટા ચોપડા ભરાય તેવી યાદી બની શકે. વર્ષે ૬૦ મોટા માથા આત્મહત્યા કરે તે યાદી જુદી બને.

ચીનમાં કેટલા આરોપીને ફાંસી આપવામાં આવે છે તે આંક પણ ગુપ્ત રખાય છે પણ વિશ્વમાં ઇરાન પછી બીજા નંબરે ચીન હશે. ૨૪૦૦ થી ૧૦૦૦૦ વચ્ચેનો વાર્ષિક આંક હોઈ શકે. ૨૦૧૫માં લીન હાન નામના અબજોપતિને ફાંસી આપી દેવામાં આવી હતી. ચીન નાગરિકો આવી આત્મહત્યાની રોજેરોજ બહાર આવતી ઘટના વિશે જાણી સરકારથી ડરના માર્યા હાહાકાર પણ નથી મચાવી શકતા.

હવે ચીનની સરકારે બૌદ્ધ, ખ્રિસ્તી અને ઇસ્લામ એમ તમામ ધર્મોના પ્રાર્થના અને શિક્ષણના સ્થળો પર ચીનનો રાષ્ટ્રધ્વજ ફરજીયાત ફરકાવવાનો રહેશે તેવું ફરમામ બહાર પાડી દીધું છે. જિનપિંગે રાષ્ટ્રને મેસેજ પાઠવ્યો છે કે રાષ્ટ્રપ્રેમ ધર્મ કરતા શિરમોર હોવો જોઈએ. આટલું જ નહીં પ્રત્યેક ધર્મ અને સંપ્રદાયમાં ચાલતા શ્રદ્ધાળુઓના સત્સંગ અને શિક્ષણ દરમિયાન ચીનની સભ્યતા, સંસ્કૃતિ અને વર્તમાન વિશ્વમાં અગ્રીમ રહેવા કેવી અપેક્ષા રાખવામાં આવે છે તેનું બંધારણીય જ્ઞાાન આપવા પણ શિક્ષકોને આદેશ આપવામાં આવ્યો છે. ફંડમાં પણ ચેડા, ગેરરીતિ થશે તો Shuanggui નો બુલાવો આવશે.

ચીન જેટલી કઠોરતા પણ નહીં અને ભારત જેટલી સ્વચ્છંદતા પણ દેશની ગુણવત્તાસભર જીવનશૈલી માટે યોગ્ય નથી.

Comments