ગુજરાત સમાચાર

હોરાઈઝન

ભવેન કચ્છી

------------------------------------


:  મતદારોનો બેસુમાર પ્રેમ: મોદી મેજીક અભી જારી 

--------------------------------------

: હવે ભાજપે શું આત્મ મંથન કરવાની જરૂર?

-----------------------------------


 હવે વધુ પાંચ વર્ષ મળ્યા છે ત્યારે  નાગરિકોની સુખાકારી એટલે કે હેપ્પી ઇન્ડેક્સ પર ધ્યાન આપવાની જરૂર.. સાચા વિકાસની તુલા એટલ સ્થૂળ અને  સૂક્ષ્મ વિકાસની સમતુલા 

-------------------------------------

આમ આદમી પાર્ટી કોંગ્રેસનો સફાયો જોતા ભવિષ્યમાં બીજા નંબરના વિપક્ષ તરીકે મેદાનમાં ઉતરી શકે તેમ છે.


---------------------------------------


ભાજપે અભૂતપૂર્વ કદાચ તેમના નેતાઓ, કાર્યકરો અને ખુદ ઉમેદવારોએ  પણ કલ્પી ન હોય તેવી જીત મેળવી. ચૂંટણી અગાઉ સોશિયલ મીડિયા પરથી તો  એવું લાગતું હતું  કે ભારત જાણે બે જ વર્ગમાં વહેંચાઈ ગયુ છે.મોદી તરફી અને મોદી વિરોધી. મોદી વિરુદ્ધ કે તેમના આત્મસન્માનને ઠેંસ લાગે તેવા પ્રહારો થાય એટલે ગુજરાતના નાગરિકો તેને પોતાના પરના અપમાન તરીકે જુએ છે.  જાણે ગુજરાત પરની અસ્મિતા  પર ફેંકાયેલ પથ્થર તરીકે જુએ  છે. ભાજપના સંગઠન, પેજ કમિટી, ટીમ વર્ક  ,સોશિયલ એન્જીનીયરીંગ અને ચાણક્ય રણનીતિ તેમજ ટ ટિકિટોની ફાળવણીની કાબેલિયત તો ખરી જ પણ "મોદી હૈ તો મુમકીન હૈ"  તો કહેવું જ પડે.

એક તરફ રાહુલ ગાંધી "ભારત જોડો" યાત્રામાં પણ ગુજરાતને બાકાત રાખે અને પ્રચાર માટે પ્રિયંકા કે સોનિયા ગુજરાતમાં ફરકે પણ નહીં બરાબર તે સમયે વડાપ્રધાન મોદી એવું નિવેદન જારી કરે કે "મારા વ્હાલા ગુજરાતી મિત્રો તમારા માટે મારી પાસે સમય જ સમય છે. તમે કહેશો ત્યાસરે હાજર થઈશ."

મોદીની  આભા અને ઉર્જા બેજોડ છે. સવારે  જી- 20  માટેની બેઠસકમાં હોય,બપોરે હિંમતનગરની સભામાં હોય અને તેની  ૪૫ મિનિટ પછી અમદાવાદમાં 32 કિલોમીટરથી વધુ અંતરના રોડ શોમાં તેની  કારમાં કલાકો ઉભા રહીને બંને બાજુ સતત હાથ હલાવતા, ડોક ફેરવતા રહેતા ભરબપોરે નાગરિકોનું અભિવાદન ઝીલે. રાત્રે પરત જઈને ફરી સંસદના શિયાળુ સત્રની તૈયારી કરવા માંડે. વચ્ચે વિદેશ પ્રવાસમાં પણ જઇ આવ્યા હતા. છેલ્લા પાંચ વર્ષોમાં ગુજરાતને વિશેષ લાભ આપતા પ્રોજેકટ પણ ફાળવ્યા. મોદી આ દરમ્યાન હિમાચલ પ્રદેશની ચૂંટણી માટે પણ સમય આપતા.

      હવે કોંગ્રેસ તો એવી બુરી રીતે ભારે શરમજનક રકાસ સાથે હાર્યું છે કે આમ આદમી પાર્ટીનો પણ ધબડકો જ થયો છે છતાં તેઓ આગામી પાંચ વર્ષમાં મુખ્ય વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસનું સ્થાન લેવાનો ધ્યેય ધારણ કરશે જ.કોંગ્રેસના જે હતાશ ઉમેદવારો અને કાર્યકરો  કે પછી ભાજપના મહત્વકાંક્ષી  અસંતુષ્ટો કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીમાં જોડાવાનું વધુ પસંદ કરશે.આમ કોંગ્રેસ હવે ધોવાતો જ જશે.


      જો  કે  ભાજપે પણ આત્મમંથન કરવાનું  જ છે કે મોદીના નામથી કયાં સુધી તરશો.તેમની લોકપ્રિયતાની ટેકણ લાકડીનો ઉપયોગ કરી પક્ષને મજબૂત કરવાનો હોય પણ ગુજરાતમા છેલ્લા ૨૦ વર્ષથી જોવા મળ્યું છે કે દેશનાં નાગરિકોને "આત્મનિર્ભર"  બનવાની પ્રેરણા પૂરું પાડતા ભાજપે ખુદ મોદીના ખભા પર જ ભાજપનો બોજ મૂકી દીધો છે. મોદી વગરનું ભાજપ

 "આત્મનિર્ભર" તો નથી જ જણાતું. તમામ રાજકીય વિશ્લેષકો કબુલશે કે ગુજરાત જ નહીં લોકસભાની ચૂંટણી વખતે પણ મતદારો ભાજપ કરતા મોદીને નજરમાં રાખી મત આપે છે. કોંગ્રેસ ગાંધી પરિવાર કેન્દ્રિત જ રહ્યું અને વીતતા વર્ષો પછી તેઓની હાલત જુઓ. નહેરુ અને તે પછી ઇન્દિરા ગાંધીને તેઓની આભા અને લોખંડી મનોબળ સાથેના નેતૃતત્વને લીધે  જ મત મળતા રહ્યા પણ તેઓની વિદાય સાથે જ પક્ષ  જર્જરિત થતો ગયો.ભાજપે પણ તે રીતે દર્શન કરવાની જરૂર છે કેમ કે મોદીના વિઝન અને બેસૂમાર ચાહનાની હૂંફ હેઠળ  પક્ષ  , નેતાઓ અને  કાર્યકરો પણ છેલ્લા વર્ષોમાં મોદીના નામથી  જ તરતાં રહ્યા છે.

      વર્ષો વહેણની જેમ વીતી જતા હોય છે. ૨૦૧૭માં લાગતું હતું કે હવે તો પાંચ વર્ષ છે પકડ વધુ મજબૂત બનાવીશું. ત્યાં ૨૦૨૨ની વિધાન સભાની ચૂંટણી પણ સંપન્ન થઈ ગઇ.૨૦૧૯ની લોકસભાની બીજી ટર્મ આવી ત્યારે પણ આવી જ લાગણી અને મનસૂબો કેળવાયેલો હતો. અઢી વર્ષ તો કોરોનામાં વીત્યા. આમ જોઇએ તો  ૨૦ જ દિવસ  પછી  ૨૦૨૩ના વર્ષનું કેલેન્ડર દિવાલ પર લાગી ગયું હશે અને તેના એક વર્ષ પછી તો લોકસભાની ચૂંટણીના પ્રચારના પડઘમ વાગતા હશે.૨૦૨૪ના મે મહિનામાં તો વધુ પાંચ વર્ષ માટેની સરકાર શપથ લેશે.

    મોદી અને ભાજપ હવે આવતા વર્ષના અંતે યોજાનાર રાજસ્થાન અને કર્ણાટક વિધાન સભાની ચૂંટણી માટે ભારે થનગનાટ સાથે તેઓની પ્રણાલી પ્રમાણે ગુજરાતના મુખ્ય પ્રધાનની શપથ વિધિ પછી તરત આ ચૂંટણીઓ અને તે પછી તરત લોકસભાની ચૂંટણીમાં લાગી જશે.  ગુજરાતમાં આ અકલ્પનિય વિજય પછી લોકસભાની ચૂંટણીમાં મોદીને જ વડાપ્રધાન તરીકેના ઉમેદવાર તરીકે ઉતારાશે તે તો નિશ્ચિત છે જ પણ મોદી પણ ખુમારીથી પ્રચાર કારી શકશે.મોદી વિરોધી મીડિયા,બુદ્ધિજીવીઓ અને એન.જી.ઓ.ની પણ ભારે  ભોંઠપ સાથે બોલતી બંધ થઈ જાય તેવું આ એક પરિણામ છે.

   મોદીના આગમન સાથે શરૂના વર્ષોમાં તો મોદીના નામ અને ચાહનાથી  જ્ઞાતિ અને જાતિના આધાર વગર માત્ર શિક્ષિત,લાયક અને કાબેલ ઉમેદવારોને  મેરિટના આધારે  જ ઘણી બેઠકો જીતાડી શકાય તેમ હતી. "ખામ" (ક્ષત્રિય ,હરિજન,આદિવાસી અને મુસ્લિમ) તેમજ પાટીદાર વોટ બેંકની થિયરીમાંથી ઘણી ખરી મુક્તિ મળી શકે તેમ હતું.એક ક્રાંતિકારી બદલાવ લાવી શકવાની મોદી મેજીક પાસે તાકાત હતી પણ ભાજપે તે તક ગુમાવી. ઉમેદવારનું બેકગ્રાઉન્ડ ગમે તેવું હોય તે જીતાડી શકે તેવો હોવો જોઇએ તે માપદંડ રાખવાની ભાજપને પણ ફરજ પડવા માંડી. જેમ કોંગ્રેસ તેનાં દબદબા વખતે ટિકિટની ફાળવણી કરતું હતું તે ભાજપે આગળ વધાર્યું. કોંગ્રેસમુક્તની વાતો થતી રહી અને કોંગ્રેસયુક્ત ભાજપ બન્યું. હોવી જ્યારે ગુજરાતના પરિણામ પરથી એવું સ્પષ્ટ બન્યું છે કે મોદીની ચાહનાથી જીતી શકાય છે  તો ભાજપે  જ્ઞાતિ, જાતિ કે વોટ બેંકની રાજનીતિમાંથીક્રમશઃ અમુક પસંદગીની  નિશ્ચિત વિજય  મળી શકે તેવી બેઠાકોમાં  શિક્ષિત અને દ્રષ્ટાસભર ઉમેદવારોને ટિકિટ આપવી જોઈએ.વધુ એક ચૂંટણી કદાચ આ રીતે જીતી શકાય પણ પક્ષનું  ભાવિ વધુ મજબૂત ચણતર અને ઘડતરની ઇમારત તરીકે આકાર પામે છે કે નહીં તે આત્મદર્શન તો કરવું જ પડશે.



જો આગામી વર્ષોમાં શિક્ષિત અને દીક્ષિત નાગરિકોને ભાજપ તેની પાંખમાં સમાવી ટિકિટ નહીં આપે કે પછી મહત્વની સંસ્થાઓનું સુકાન નહીં સોંપે તો આમ આદમી પાર્ટી આવા ગુણવત્તાસભર 

નાગરિકોને આકર્ષશે. અત્યાર સુધીનું વાતાવરણ એવું રહ્યું છે કે સારા માણસો સક્રિય રાજકારણથી દૂર રહે છે.એક જમાનામાં આઝાદી પછીના અઢી  દાયકા સુધી જેઓને સમાજ માટે કઇંક નક્કર પ્રદાન આપવું હતું તેઓ કોંગ્રેસમાં જોડાઈ જતા અને આજે પણ તેઓ તેમના પ્રદાનથી યાદ કરાય છે. ક્રમશ: કોંગ્રેસ પણ ગુણવત્તા અને સમાજ માટે કંઈક અર્પણ કરવા માંગતા. દૃષ્ટાસભર નાગરિકો અને  કાર્યકરો  દૂર થતો ગયો. 

  ભાજપ સભ્યોની રીતે વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ છે પણ ભાજપનું હાઈકમાન્ડ તેમાંથી કોનો ઉપયોગ કરે છે, વૈચારિક આદાનપ્રદાનમાં સામેલ કરે છે,ટિકિટ આપે છે, શિક્ષણ સંસ્થાઓ કે નિગમોની સોંપણી કરે છે તે  ભવિષ્યમાં  મહત્વનું બની  રહેશે . સજ્જન, સુજ્ઞ અને સૌજન્ય ધરાવતો સાલસ નાગરિક કોઈપણ પક્ષના કાર્યાલયમાં બેઠેલી જોવા મળે છે ખરો? 

    વિવિધ પક્ષોના નેતાઓ જુદા જુદા ક્ષેત્રોના મળવા લાયક વ્યક્તિઓને મુલાકાત પણ નથી આપતા હોતા. ૨૪ કલાક લાગતા વળગતાઓની ફાઇલ પસાર કરવાની અને ખુશામતખોરોની ટોળકી સાથે બેઠા રહેવાનું.

જેઓને કઈં જ જોઈતું નથી તેવા હજારોની સંખ્યામાં પ્રતિભાવાન નાગરિકો કે જે તે પક્ષના સભ્યો છે તેઓને કોઇ વખત તો ઈજ્જતથી બોલાવવા જોઈએ.


   અમુક અપવાદને બાદ કરતાં દેશના ધારાસભ્યો અને સાંસદોનું તો શૈક્ષણિક અને તેઓ જે ખાતું સાંભળે છે તેનું જ્ઞાન  અને વર્તન શાસ્ત્ર જ એટલું નિમ્ન હોય છે કે સારા માણસો તેમની જોડે બેસતા જ પોતે ગરિમા ગુમાવતો હોય તેવું લાગે.


મીડિયામાં ઉમેદવારોની સંપત્તિની અને  કઈ કલમો સાથેના ગુના નોંધાયા છે તેની યાદી આવે.શિક્ષણનું બેકગ્રાઉન્ડ પ્રકાશિત થાય. તમને એમ લાગે  કે ઉમેદવારોએ આવી સ્પષ્ટતા ફોર્મ ભરતી વખતે આપવી પડે તે કેવો  ઉમદા નિયમ કહેવાય પણ તમને જાણીને આઘાત લાગશે કે લોકસભાની કે વિધાન સભાની ચૂંટણીના ઉમેદવારોની આ લાયકતના ધોરણે જ તેમને ટિકિટ અપાતી હોય છે.  ઘણા ચાલાક મતદારો કે જ્ઞાતિ અગ્રણીઓ ઉમેદવારની સંપત્તિ જાણી તેની  સાથે મિટિંગ યોજી મત માટે સોદો કે તોડ પણ પાડતા હોય છે.

     જો તમારા નામે ગુનો નોંધાયેલ ન હોય તો તમે 

ભારાડી નથી. ઉમેદવાર બધી રીતે કરડાકી સાથે કાર્યકરોના, સમાજના  કામ પાર પાડી શકે,ફાઇલ ક્લિયર કરાવી શકે, ઉપરથી પોલીસને ફોન પર સૂચના અપાવી શકે તેવો હોવો જોઈએ.ભાજપે આગામી વર્ષોમાં આવી પરંપરાગત રાજનીતિ અને રણનીતિમાંથી બહાર આવવું જોઈએ કેમ કે મોદીની ઓકપ્રિયતાની હૂંફ હેઠળ આવો બદલાવ લાવી શકાય તેમ હતો અને હવે પછી પણ છે.

અત્યારે એવું વાતાવરણ છે કે દેશ  માટે પ્રદાન કરવું હોય તો તમારી કંપની કે ટ્રસ્ટ ખોલો.ટ્રસ્ટી બનો કે કોઈ સંસ્થા જોડે ભેખધારી કાર્યકારી બની સુવાસ ફેલાવો. એવોર્ડ પણ મેળવો પણ રાજકારણમાં તમારી કોઈ જરૂર નથી તેવો રાજકીય પક્ષો ઉમદા અને ઉત્તમ નાગરિકોને જાણે મેસેજ આપે છે.

      ભલે પ્રચંડ જીત મેળવી તો પણ  આ વખતે મતદાન કેમ ઓછું થયું તેનું અસલી કારણ જાણવામાં અને તેનું વિશ્લેષણ કરીને નાગરિકોની ઉદાસિનતાને દૂર કરવાનો પ્રયત્ન પણ ભાવિના સંદર્ભમાં આદર્શ લોકશાહી માટે જરૂરી છે.  સોશિયલ મીડિયામાં  તેમના ગમતા કે ન ગમતા નેતાઓ કે   પક્ષ માટે બાખડી પડતા નેટિઝન્સ મતદાનના દિવસે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકવામાં એ હદે ગળાડૂબ રહ્યા કે મત આપવા જવાની પરવા જ ન કરી.જેઓએ પણ મતદાન કર્યું તેવા સમર્પિત મતદારોએ  અપાર સ્નેહ અને વિશ્વાસ મુક્યો  છે તેમાં છકી ન જતા પણ તેને  વિશેષ જવાબદારી તરીકે ભાજપે  જોવાની જરૂર છે. નાગરિકોને  હેપ્પી ઇન્ડેક્સ એટલે કે ગુણવત્તાસભર જીવનધોરણ અને આત્મસન્માનની ઝંખના છે. મોંઘવારી,મોંઘુ શિક્ષણ,ગેસ, વીજળી અને પેટ્રોલના અસહ્ય  ભાવ, બેરોજગારી અને લાગતા વળગતાને જ તક મળે તેવા વાતાવરણથી મતદારો ઉદાસીન હતા  છતાં  તેઓ આ  રીતે તો કમ સે કમ વફાદાર તો રહ્યા જ છે. મોદીએ દેશમાં અને વિશ્વમાં ભારતની જે ઉન્નત ઇમેજ ઉભી કરી છે અને જે હદે ગુજરાતને માટે સતત સમય આપ્યો છે, ફાયદાકારક પક્ષપાત પણ વિકાસ યોજનાઓ સાથે કર્યો છે અને ગુજરાતમાં સુખદ સલામતી અને શાંતિનું વાતાવરણ જળવાયું છે તે બદલ મત દ્વારા જાણે રિટર્ન ગિફ્ટ આપી છે.

મતદારોની વધુ સુખાકારી આપવા  સરકારે થેરેપી કરવી પડશે. મેગા પ્રોજેકટ,ઇન્ફ્રાસ્ટ્રક્ચર , રસ્તા,પુલ આ બધું તો સ્થૂળ છે.જેમ મહેલમાં  રહેતા હો પણ સુખ ચેનનો એહસાસ ન થાય તેવું બને કેમ કે આખરે તો સુખદ અનુભૂતિ મહત્વની છે. ભાજપે હવે નાગરિકોના સ્થૂળ ઉપરાંત બહેતર સૂક્ષ્મ  જીવન ધોરણ પર પણ ધ્યાન આપવું જોઈએ.અને હા.. નવી પેઢી તક મળતા જ વિદેશની વાટ કેમ પકડે છે તે સરકારે વિચારવું જોઈએ.

ચાલો રાજ્ય સરકાર પાસે વધુ પાંચ વર્ષ છે...યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ.


જ્ઞાન પોસ્ટ

-------- --

 એક નેતાએ એક ખૂબ જ કાબેલ શિક્ષિત સજ્જનને કહ્યું કે " તમે એટલા ભલા માણસ છો કે ચૂંટણીમાં ઉતારીએ તો ડિપોઝીટ ગુમાવો

Comments