'માનવી પણ સાવ છત્રી થઈ ગયા, બહાર ભીના, મ્હાંય કોરા નીકળે'

હોરાઈઝન - ભવેન કચ્છી

હજુ તો એક જ વરસાદ અને કવિઓ વરસે ધોધમાર: આપણે ખરેખર વર્ષા ઋતુ સાથેનું હૃદયગત જોડાણ ધરાવીએ છીએ ખરા?

તમે છેલ્લે ભીની માટીની સુગંધ, મોરના ટહૂકા, ખેડૂત અને પનિહારીનો વર્ષા બાદનો હૈયા હિલ્લોળ અને બાળકોને કાગળની હોડી બનાવતા ક્યારે જોયા ?

શહેરીજનોને મન વર્ષાઋતુ ગરમીથી હાશકારો આપતા દિવસોથી વિશેષ કંઈ નથી

મોસમનો પહેલો વરસાદ 
વરસે ઝરમર
વરસે કવિતા ધોધમાર

પ્રત્યેક ચોમાસાના આગમન ટાણે પહેલા વરસાદે માત્ર વાદળો જ નથી ફાટતાં પણ જેઓ આખું વર્ષ એક નાના અછાંદસ સર્જન માટેના શબ્દો અને પ્રેરણાનો દુકાળ અનુભવતા હોય છે તેઓમાં ઉર્મિનો ઉછાળ બારે મેઘ ખાંગા થયા હોય તેમ કલ્પનાના જગતના કિનારે ફરી વળે છે.

અમુક અપવાદોને બાદ કરતા નામી- અનામી વર્તમાન કવિઓની કૃતિઓનું પઠન કરતા એવો અહેસાસ થાય કે વર્ષો પહેલાં જે ખરા અર્થમાં ધરતી પર પગ રાખીને ગ્રામ્ય જીવન અને પ્રકૃતિના ખોળે જીવન વીતાવીને માહ્યલાંનુ અને અનુભવેલું સર્જન મૂકીને ગયા છે તેઓની ઉપમા, અલંકાર અને સંવેદનાને આપણે કોરા ધાકડ રહીને રેઇનકોટ પહેરીને કવિતા નથી લખતા ને ?

બળબળતા ઉનાળામાં વરસાદ માટે ઝૂરતા અને પાણી માટે તરસતા બેડલા, પુરાણી વાવ જેવા ભેંકાર કૂવા, કોતરો અને ખડકોની વેરાન ધરા જેવી ભાસતી સુકી ભઠ્ઠ નદીઓ અને હાલતા ચાલતા હાડપિંજર જેવા ઢોરો અને તેની નિસ્તેજ આંખો, પાણીના બુંદની જગ્યાએ સ્હેજ ભીનું ધૂળનું કણ ચાંચમાં આવી જાય ત્યારે પક્ષીની તડપ- ભોંઠપ કયા શહેરી સર્જકોએ નજીકથી જોઈ છે.

પ્રવાસના પ્રારંભે જ વિમાનની મુસાફરી કરીએ છીએ તેવી બડાશ મારવા બોર્ડિંગ પાસનો ફોટો આપણે ફેસબુક પર પોસ્ટ કરી દેતા હોઈએ છીએ. વોલ્વો બસ કે એસી કોચનો બારીનો ગ્લાસ બરાબર બ્લેક ટિન્ટેડ છે કે નહીં તે ચકાસતી વખતે મિનરલ અને જ્યુસની બોટલો હાથામાં ગોઠવાયેલી હોય છે. ૧૦ મિનિટ વીજળીનો પુરવઠો ખોરવાઈ જાય કે ગરમીમાં મોડું થાય ત્યાં તો આપણે ગુજરાતી ભાષા પડતી મૂકીને અંગ્રેજીમાં પ્રચલિત અપશબ્દો પર આવી જઈએ છીએ.

અગાઉ તો એસ.ટી. કે રેલ્વેની મુસાફરી દરમ્યાન માર્ગ ગામડાઓના નાના સ્ટેશનો પર થોભી જવાનો હોઈ તેમજ આ રીતે કૂલ એરટાઇટ ટ્રેન નહીં કોઈ જનજીવન સ્હેજે આંખો પર અથડાતું હતું હવે ક્યાય પણ જવાની પહેલી પ્રાધાન્યતા એ હોય છે કે 'ડાયરેક્ટ' હોય તો સારું 'હોલ્ટ' ઓછામાં ઓછા હોવા જોઈએ. પડાવ અને મુકામ જ પસંદ નથી ત્યારે જોડાણનો છેદ ઉડી જાય છે

અગાઉના જમાનામાં જે પણ ગદ્ય-પદ્યના સર્જકોની કૃતિ ચિરંજીવ રહી છે તેનું એકમાત્ર કારણ મૂળ સાથેનું જોડાણ જાળવીને તેઓ વૃક્ષની જેમ ઘટાટોપ બન્યા હતા. જે સર્જકોએ સંઘર્ષ, અન્યોની પીડા, શોષણ, ભૂખ- તરસ, કારમો તાપ, કાતિલ ઠંડી, પ્રકૃતિના અવનવા રંગ, વન્ય પ્રાણીઓ અને પંખી સૃષ્ટિનો ચિત્કાર કે કિલકિલાટ કે ખરા અર્થમાં ગ્રામ્ય જીવન, ખેડૂતોના પરસેવાથી થતું પાકનું સિંચન તેઓમાંના એક થઈને નથી અનુભવ્યું તેઓ હૃદયસ્પર્શી ચોટદાર હેતુપૂર્ણ સર્જન કરી જ ના શકે.

અગાઉ સર્જકોની કૃતિમાં જેઓ પીડિત છે તેમની વેદના જ કાગળ પર ટપકતી. રાજાનું તંત્ર હલબલી ઉઠે તેવું સંજય દ્રષ્ટિ નિરૃપણ જનજીવનની સ્થિતિનું થતુ હતું, રાષ્ટ્રપ્રેમ, માતૃપ્રેમ, નારી ગૌરવથી માંડી દંભીઓ, શ્રીમંતો, મૂડીવાદીઓ અને શાસકો પરના ચાબખા માટેનું સાહિત્ય માધ્યમ હતું. તે જમાનામાં કવિઓનું સર્જન દાદ મેળવવાના આશયથી નહી Relevant હતું.

પાણીના બેડા માટે અડધો કલાક ચાલીને જતી અને વારા માટે કલાકેક ઉભી રહીને અધૂરા છલકાતા ઘડા સાથે પરત ફરી રહેલી વર્તમાન પનિહારી કોઈએ જોવાની તસ્દી લીધી છે ખરી ? હજુ પણ સર્જકો તો પનિહારીની લચકતી કમર, સોનાની ગાગર અને રસદાર કટારીના સૌંદર્યમાંથી જ બહાર નથી આવતા.

શું હાડમાંસ એક થઈ ગયા હોય તેવી પનિહારીઓ પર કવિતા ના થઈ શકે ? વરસાદની ભરપૂર મોસમ પછી ગ્રામ્યજનો અને ખેડૂતોના ઉરમાં જે હેલી વરસે તેની કવિતા ના હોઈ શકે ?

મોંઘવારી, શિક્ષણ, જાતિવાદ, કોમવાદ, વિષાદ જગતનું નૃપધરા દર્શન ના કરાવી શકાય ? સર્જન માત્ર શ્રોતાઓની દાદ અને રંજન માટેનું જ ના હોવું જોઈએ. સર્જકે ચારે બાજુ નજર ફેરવવા જનમાનસ કેવી હાલાકી, વેદના, હતાશા, લાચારી અનુભવે છે તે અનુભવવા પરકાયા પ્રવેશ કરવાનો છે. આજે તો જાણે આપણે જનસમુદાયને અફીણ પીવડાવવાનું અભિયાન ચલાવતા હોઈએ તેવા લાગીએ છીએ.

ખરેખર વરસાદની મોસમમાં મોર સામસામે જાણે જુગલબંધી કરતા હોય તેમ છેલ્લે આપણે ક્યારે ગહેકતા- ટહેકતા જોયા- સાંભળ્યા ? ખાસ હેતુપૂર્વક ચાંદ- ચાંદનીને ક્યારે માણ્યા? એક પણ સૂર્યોદય કે સૂર્યાસ્તના સદેહે નજર સામે સાક્ષી આપણે કેટલા ? તરસ- ભૂખ અનુભવી છે ? છેલ્લે ગ્રામ્ય જીવનમાં ક્યારે ડગ માંડયા ?
ઘાસ પર ખુલ્લા પગ રાખીને તેનો ભીનો ભીનો સ્પર્શ અનુભવ્યો છે ?

માટી, રેતી, કાંકરા પર ખુલ્લા પગે ક્યારે બે-ચાર ડગ માંડયા ? ધગધગતી ધરતી પર કે પાણીના ખાબોચિયાની જોડે ખુલ્લા પગની પાનીનો સંસ્પર્શ ક્યારે ? સર્જકોના કાગળ પર બહુ ખરડાઈ ગયેલી માટીની સુગંધ મને તો મારા કોંક્રીટ જંગલમાં ક્યાંય નથી અનુભવાતી. શહેરના પ્રદૂષણને લીધે કાન, નાકના ડોક્ટરોએ કેટલાયનું નિદાન જ કરી દીધું છે કે 'એલર્જી હોઈ ગંધની સેન્સ જ જતી રહી છે'... છતાં પણ સર્જન થતા રહે છે :

પર્ણ, પુષ્પો, કૂંપળો ભીંતમાં ઊગે છે તેમ પાછા કબુલીએ પણ ખરા. ખરેખર આપણી સંવેદના જ કૃત્રિમ અને દંભી છે. આપણે છવાઈ જવુ છે.

વૃક્ષના થડ પર કોઈ ખીલી ઠોકી જાહેરાતના બોર્ડ લટકાવે એટલે તંત્રનું ધ્યાન દોરીને આંદોલન કરવાનું હોય પણ આપણે 'જાણે વૃક્ષની છાતી પર ભોંક્યું ખંજર' જેવું સર્જન કરીને 'ઇર્શાદ' સાંભળી આપણી જવાબદારીમાંથી મુક્ત થઈ જઈશું. ખરેખર તે વૃક્ષ જેટલું હૈયું આપણું વિંધાયું તેવી વેદના અનુભવીએ છીએ ખરા ? ના અને માત્ર ના.

વરસાદ મહત્તમ શહેરીજનોને માટે ગરમીમાંથી હાશકારો હોય છે. પહેલા વરસાદમાં ભીંજાઈ જવાય તો વાંધો નથી બાકી જેવા ઝરમરિયા શરુ થાય એટલે જેને જ્યાં છાપરૃ કે છત મળે ત્યાં તે બંધ પડે તેના ઇન્તજારમાં બધા ઉભા રહી જતા હોય છે.

વરસાદ ઋતુમાં ગાર્ડન કાદવ- કિચડમાં ફેરવાઈ જતા હોઈ મોર્નિંગ વોક પણ બંધ થઈ જાય છે. ઘરમાં વાછંટ ન આવે તે માટે બારીઓ બંધ થઈ જાય છે. બહાર ટ્રાફિક જામ અને ભૂવાઓમાં સ્કુટર, કાર ગરકાવ થઈ જાય તે હદે રસ્તા ધોવાઈ ગયા હોઈ છે. મુંબઈ જેવા શહેરોમાં લોકલ ટ્રેનો, મેટ્રો, બસ, ટેક્સી વગેરે સાથેનું જનજીવન ઠપ્પ થઈ જાય છે.

વર્ષા ઋતુ તો પ્રકૃતિની શિરમોર છે જ પણ આપણી જીવનશૈલી, શહેરી જનજીવન તેમજ માનસિકતા આપણને તેનાથી અળગી કરી રહી છે. ભીંજાવવું અને ઓગળવું આભડછેટ જેવું બનતું જાય છે. આપણે માની લો કે પ્રકૃતિની સંગાથ હોઈએ તો પણ તેનાથી અળગા હોઈએ છીએ. આથી જ આપણું વર્તમાન સર્જન અને સંવેદના પણ ભૂતકાળના સંસ્મરણોને આધારિત 'વો કાગઝ કી કશ્તી વો બારિસ કા પાની'થી લથપથ હોય છે.

આપણે વર્તમાનમાં વરસાદનું પામ્યા માણ્યા વગરનું કૃત્રિમ રૃપકોથી સ્વાગત કરતા થઈ ગયા છીએ. હજુ કદાચ પહેલા વરસાદમાં મકાઈના શેકેલા ડોડા અને ગરમાગરમ ભજીયા આપણા દિલને ચોક્કસ બાગ બાગ કરી દે છે. બાકી માટીની સુગંધ, પુષ્પોનો પમરાટ, તરબતર, ગહેકવું મહેકવું, ટહેકવું વિરહની વેદના, લીલું છમ્મ, રાઘાકૃષ્ણ, સરવાણી, વાદળી જેવું અનુભવવા અને હૃદયમાં ધરબી દેવા તો પલળવું પડે. પ્રકૃતિની ગોદમાં વિહરવું પડે.

ચાલો વરસાદના આગમનનું ગ્રામ્ય જીવનમાં પનિહારી, બેડા, પશુ-પંખી અને કિટક સૃષ્ટિ, પ્રકૃતિ, ખેતી- ખેડૂત, કૂવા- નદી, નાળા અને ઓટલા પાદરની નજરે ઝીલાતું સર્જન પણ કરીએ ભલે અછાંદસ પણ કેમ ના હોય જેમ કે

ભલે પધાર્યો વરસાદ
બીજનો પણ હેઠો બેઠો શ્વાસ
હવે વૃક્ષ બનીશ જ પાકકો વિશ્વાસ
**
ભાઈ, હું જગતનો તાત ખરો
વરસાદ જો સાથ આપે ખરો !
**
હવે મારા ચહેરા પર વીજળીની ચમક
પાણીની છાલક, હૈયાની ટાઢક
બેડા પણ છે છલોછલ
ઇશ્વરની છે મહેર
હવે જ ખરા લીલાલહેર

**
પીડા વખતે પીડા અને પ્રાપ્તિ વખતે ભાવવિભોરતાનું વાસ્તવિક પ્રતિબિંબ ઝીલતું સર્જન કરી અભિવ્યક્ત થઈએ.
(શીર્ષક પંક્તિ : ડો. જગદીપ નાણાવટી)
*

Comments